સોનાના ભાવમાં ઐતિહાસિક વધારો, 53 હજારને પાર અને હજુ કેટલી વધશે કિંમત : જાણો આગાહી.

વૈશ્વિક સ્તરે કોરોનાનો કહેર હજુ યથાવત છે, તથા સમગ્ર દેશમાં લોકડાઉન વચ્ચે અર્થતંત્રનો વિકાસ રૂંધાતા તથા સ્ટીમ્યુલ્સ પેકેજો વચ્ચે કરન્સી પુરવઠો વધતાં ફુગાવો વધવાની ગણતરી વચ્ચે ફંડવાળા સોનામાં એક્ટિવ બાયર રહ્યાના સમાચાર મળી રહ્યા હતા. ચીન તથા અમેરિકા વચ્ચે તણાવ વધતાં ડોલરના ભાવ પણ દબાણ હેઠળ રહેતાં સોનાની તેજીને પીઠબળ મળતું થયું છે. 

ભારત દેશની વાત કરીએ તો છેલ્લા કેટલાક મહિનાથી ઝવેરી બજાર બંધ હતા. પરંતુ થોડા દિવસો પહેલા અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. તેમાં હવે ઝવેરી બજાર પણ કોરોના વાયરસથી સાવચેતી રાખીને ફરી એકવાર ધંધો શરૂ કરી લીધો છે. ઝવેરી બજારોમાં 26 જુલાઈના રોજ સોનાના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધ્યો હતો અને નવા ઉંચા ભાવ જોવા મળ્યા હતા. વિશ્વબજારના સમાચાર મજબુતાઈ બતાવી રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાંતારીખ 26 જુલાઈના રોજ સોનાના ભાવ 10 ગ્રામના વધી રૂ.53 હજારની ઐતિહાસિક સપાટી પાર કર્યુ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

ઝવેરી બજારમાં ફક્ત સોનાની વાત કરીએ પરંતુ  સોનાની સાથે ચાંદી પણ ઉંચકાઈ હતી. વિશ્વબજારમાં સોનાના હાજર ભાવ વધી ઔંશના 1900 ડોલર વટાવી 1906 ડોલર થઈ છેલ્લે ભાવ 1902 ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વબજારમાં ભાવ વધી નવ વર્ષની ટોચે પહોંચ્યા છે. સોનાના ડિસેમ્બર વાયદાના ભાવ વધી વૈશ્વિક સ્તરે ઔંશ દીઠ 1927 ડોલર ઉપર પહોંચ્યા હતા.

વિશ્વબજાર વધી જતાં ઘર આંગણે આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટની કોસ્ટ ઉંચી ગઈ છે તથા તેના પગલે દેશના ઝવેરી બજારોમાં તાજેતરમાં રેકોર્ડ ભાવ ઉછાળાઓ જોવા મળી રહ્યા છે. જો કે બજારમાં નવી માંગ પાંખી રહી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. ભાવ ઉછળતાં હવે કદાચ લોકો સોનું વેચવા નિકળશે એવી ભીતી પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો.

જ્યાં આપણે વૈશ્વિક બજાર તથા દેશના બજારની વાત કરીએ છે, ત્યાં આપણા ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના બજારની વાત કરીએ તો, તેમાં 26 જુલાઈના રોજ સોનાના 10 ગ્રામના ભાવ વધુ રૂ.300 વધી 99.50 ના રૂ.52,900 તથા 99.90 ના રૂ.53,100 બોલાતા હતા. જ્યારે અમદાવાદ ચાંદી કિલોના રૂ.500 વધીને રૂ.61,000 બોલાઈ રહી હતી. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ઔંશ દીઠ ભાવ ઉછળી ઉંચામાં 23 ડોલર નજીક પહોંચી ગયાનું નિષ્ણાંતોએ જણાવ્યું હતું.

સોનાની સાથે અન્ય કિંમતી ધાતુઓ પણ ઉછળતી જોવા મળી છે. પેલેડીયમના ભાવ વિશ્વબજારમાં વધી ઔંશના 2200 ડોલરની સપાટી વટાવી ગયા છે. પ્લેટીનમ ઉછળી 900 ડોલર ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. વર્તમાન માહોલ વચ્ચે સપ્ટેમ્બર અંત સુધીમાં વિશ્વબજારમાં સોનાના ભાવ વધુ વધી ઔંશ દીઠ 2000 ડોલરને આંબી જવાની આગાહી વિશ્વબજારમાં યુબીએસ ગ્રુપે કરતાં લોકો સ્તબ્ધ બન્યા છે.

વિશ્વ વિખ્યાત ઈન્વેસ્ટમેન્ટ બેન્કર માર્ક મોબીયસના જણાવ્યા અનુસાર, ‘સોનાના ભાવ હજુ વધુ ઉંચા જશે અને સોનું ખરીદનારને ફાયદો થશે. આ પૂર્વે 2011માં સોનામાં રેકોર્ડ ઉંચા ભાવ 1921થી 1922 ડોલર નોંધાયા હતા. કિંમતી ધાતુઓના ફંડોમાં એક અઠવાડીયામાં આશરે ચાર અબજ ડોલર નાણાં ઠલવાયા છે.’

નોંધનીય છે કે, સોનાના ભાવ પાછલા સતત સાત અઠવાડીયાથી વધી રહ્યા છે અને તેજીની આવી લાંબી ચાલ આ પૂર્વે છેક 2011 માં જોવા મળી છે. આ વખતે તેજી હજુ વધુ આગળ વધવાની આગાહી જોતાં ઘર આંગણે હવે સોનાના ભાવ રૂ.55 હજાર ટૂંકમાં પહોંચી જવાની શક્યતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Leave a Comment