શાકભાજીના ભાવમાં થયો ભરખમ વધારો । શું ખેડૂતને મળી રહ્યો છે તેનો ફાયદો ?

લોકડાઉન બાદ અનલોક દરમિયાન શાકભાજીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.  COVID-19 ની અસર સૌથી વધારે શાકભાજી પર દેખાઈ રહી છે. શાકભાજીના વધતા ભાવના કારણે મહિલાઓના રસોડાનું બજેટ પણ બગડી ગયું છે. તો આજે અમે તમને શાકભાજીના ભાવમાં થઈ રહેલા સતત વધારા પાછળનું કારણ શું છે, તેના વિશે આ લેખમાં જણાવશું. માટે આ લેખને અંત સુધી વાંચો. 

દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા વિસ્તારમાં શાક 20 થી 30 રૂપિયા કિલોગ્રામના ભાવે વહેંચાય છે. તે જ શાકભાજીના ભાવ હવે 100 રૂપિયાને પાર થઈ ચુક્યા છે. બ્રોકલી જેવા શાક તો 400 રૂપિયા પ્રતિકિલોના ભાવે વહેંચાય રહ્યા છે. શાકના વધતા ભાવથી દરેક વર્ગના લોકો પરેશાન છે. દિલ્હીની માર્કેટમાં ટામેટા 60 થી 80 રૂપિયા પ્રતિ કિલો તો બટાકા 40 રૂપિયા કિલો વહેંચાય રહ્યા છે. ગાજીપુર મંડીમાં ધાણા 200 રૂપિયા પ્રતિ કિલો અને લસણ 150 રૂપિયા કિલો ભાવમાં વધારો થયો છે. તો બીજી તરફ મરચાં પણ 100 થી 150 રૂપિયા કિલોના ભાવે વહેંચાય છે. રીંગણ, ભીંડા અને ડુંગળીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. 

શાકભાજીના ભાવ આસમાને : ગરીબ તથા મધ્યમવર્ગીય પરિવાર પોતાની આવક અનુસાર રસોઈ માટે પોતાનું બજેટ નક્કી કરે છે. લોકડાઉન ખુલ્યા બાદ શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દર અઠવાડિયે શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેનાથી લોકોના ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. માર્ચથી લઈને જુલાઈની શરૂઆત સુધી શાકભાજીના ભાવ સામાન્ય હતા, પરંતુ જુલાઈના બીજા અઠવાડિયાથી શાકભાજીના ભાવમાં વધારો થવાનું શરૂ થઈ ચુક્યું છે, આ ભાવમાં વધારો હજુ પણ યથાવત છે. ભાવ વધારાએ આ રીતે વિખેર્યું બજેટ : ગાજિયાબાદમાં રહેતી એક મહિલાએ ભાવ વધારા વિશે કહ્યું કે, ‘હું પાંચ વ્યક્તિઓ માટે શાકભાજી ખરીદું છું. લોકડાઉન પહેલાં અને પછીના દિવસોમાં દર મહિને 1500 થી 2000 રૂપિયાની વચ્ચે શાકભાજી ખરીદતી  હતી. પરંતુ અત્યારે પાંચ વ્યક્તિઓ માટે શાકભાજી ખરીદું છું તો 3000 રૂપિયા સુધી બજેટ પહોંચી જાય છે. કોઈ પણ શાક લો, 60 રૂપિયાથી ઓછી કિંમતે કોઈ શાક મળતું જ નથી. ડુંગળી, રીંગણ, મૂળા, પરવર, ટીંડોરા વગેરે જેવા શાક પહેલાંની સરખામણીમાં ઘણા મોંઘા થઈ ચુક્યા છે. અમે લોકો અઠવાડિયામાં બે-ત્રણ વખત કઠોળ અને દાળ ખાઈને કામ ચલાવી લઈએ છીએ.’

શાકમાર્કેટના અધ્યક્ષે શું કહ્યું ? : એશિયાનું સૌથી મોટું શાકભાજી માર્કેટના અધ્યક્ષ અને ટ્રેડર રાજેન્દ્ર શર્માનું કહેવું છે કે, ‘ખેડૂતોની દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે સ્થિતિ ઘણી સારી છે. દેશમાં જેમ-જેમ અનલોકની છૂટ મળે છે, તે જ રીતે શાકભાજી માર્કેટમાં આવવાનું શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં સાપ્તાહિક બજાર ખુલવા પર શાકભાજી વિક્રેતાઓને (વેચનારા) ફાયદો થવાનું શરૂ થશે. અને રહી શાકભાજીના ભાવમાં વધારો થવાની વાત, તો હું સરકારને કહેવા માંગું છું કે, તમે તમારા રેટ ફિક્સ કરો પરંતુ એક નોર્મલ રેટ (ભાવ) નક્કી કરી લો. જો તેની ઉપર રેટ જાય તો તમે કહી શકો છો કે રેટ વધી રહ્યો છે.’

રાજેન્દ્ર શર્માએ કહ્યું કે, ‘જ્યારે દેશમાં શાકભાજી સસ્તી વહેંચાય છે ત્યારે કોઈ ભાવ ઘટાડાની બૂમો નથી પાડતું. પરંતુ જ્યારે થોડા ભાવમાં વધારો થાય છે ત્યારે હાય-હાય થવાની શરૂ થઈ જાય છે. જ્યારે ડુંગળી 12-14 રૂપિયે વહેંચાય છે ત્યારે વિચારો કે, ખેડૂતને શું મળતું હશે ? જ્યારે સરકાર કહે છે કે, ખેડૂતને ડબલ નફો થશે, હવે તમે જ કહો કે આ ભાવમાં ખેડૂતને ફાયદો કેવી રીતે થઈ શકે ? લોકો શાક ઓછું ખરીદે છે, તેના ઘણા કારણ હોઈ શકે છે. વરસાદના કારણે માર્કેટમાં શાકનું સપ્લાય ઓછું થાય છે, જેના કારણે પણ શાકભાજીના ભાવ વધી જાય છે. પરંતુ સપ્ટેમ્બરથી લઈને માર્ચ સુધી સ્થિતિ સામાન્ય રહેતી હતી. આ કોઈ નવી ઘટના નથી. 10 સપ્ટેમ્બરથી શાકભાજી સસ્તી થવાની શરૂ થશે.’

Leave a Comment