ઘરેણાં ગીરવે મૂકીને ગરીબોને ભોજન પહોંચાડી રહ્યો છે વડોદરાનો કિન્નર સમુદાય…

સોનાનો હાર મૂકી કહ્યું લોકોને મરતા બચાવવા છે, જીવન ઘણું છે છોડાવી લઈશ.

આજે દેશ પર જે સંકટ આવ્યું છે ત્યારે સમાજના દરેક સમુદાયે અને દેશના નાના પરિવારોથી લઈને મધ્યમવર્ગના પરિવારોની સાથે અમીરો એ પણ દેશના જરૂરિયાત વાળાની મદદ કરી છે. ભલે ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે, પરંતુ દરેક વ્યક્તિએ યથાશક્તિ દાન કર્યું છે. તો આવી મુશ્કેલ ઘડીએ કિન્નર સમાજે પણ દેશની મદદ કરી છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે કિન્નરો દ્વારા કંઈ રીતે અસરકારક લોકોની મદદ કરી. 

મિત્રો એવું જાણવા મળ્યું કે, એક દિવસ કિન્નર નુરી કંવરે એક ઘરમાંથી કોઈ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. જ્યારે તેણે જઈને પૂછ્યું તો જાણવા મળ્યું કે, એક માતા તેના 5-6 વર્ષના છોકરાને મારી રહી હતી. કારણ કે, તે બાળક ખાવાનું માંગી રહ્યો હતો અને ઘરમાં ખાવા માટે કંઈ પણ ન હતું. આ જોઇને કિન્નર નુરીએ નક્કી કર્યું કે તે પોતાની શક્તિ અનુસાર લોકોની મદદ કરશે. 

વડોદરા શહેરની રહેવાસી નુરીએ લોકડાઉનના પહેલા તબક્કામાં પોતાના ઘરની આસપાસ રહેતા કિન્નર સદસ્યોના ઘરે દાળ, લોટ, ચોખા, ખાંડ, તેલ, મસાલા વગેરે આપ્યું હતું. આ સિવાય કિન્નર નુરીના શિષ્યો એ પણ ૭૦૦ જેટલા ગરીબ પરિવારના લોકો સુધી ભોજન પહોંચાડ્યું હતું. એટલું જ નહિ, પરંતુ નુરીએ સ્થાનીય લોકો અને અન્ય લોકોને પોતાનો અને પોતાની બીજી બહેનોનો નંબર આપ્યો અને કહ્યું કે, જ્યારે પણ તેના ઘરમાં ભોજન ખાલી થઇ જાય ત્યારે તેઓ તેને જાણ કરી દે. 

હાલ તો કોઈ પણ પ્રકારના માંગલિક પ્રસંગો અને ટ્રેન પણ બંધ હોવાને કારણે કિન્નર સમાજને કોઈ પણ પ્રકારની કમાણી નથી. તેમ છતાં વડોદરાનો કિન્નર સમુદાય મદદ માટે પોતાનાથી થતા દરેક પ્રયાસો કરી રહ્યા છે. આ સિવાય નુરી કહે છે કે, ગરીબ લોકોના ઘર સુધી રાશન પહોંચાડવા માટે તેણે પોતાના સોનાના ઘરેણાઓ પણ ગીરવી મૂકી દીધા છે. ઘણા વર્ષોથી પૈસા બચાવીને તેણે પોતાના માટે હાર બનાવ્યો હતો. જેને ગીરવી મૂકી દીધો. તે કહે છે કે, ‘મે હાર તો ખુબ જ હોંશથી બનાવ્યો હતો, પણ હજી જીવન ઘણું બાકી છે તેને છોડાવી લઈશ,  હાલ તો લોકોને મરવાથી બચાવવા છે.’ 

આ સમુદાયે સરકાર પાસેથી પાસ બનાવી લીધું અને પરમિશન લઈને એક રીક્ષા દ્રારા પહેલા તો તેમણે જરૂરિયાત વાળા લોકોની પસંદગી કરીને શરૂઆતના દિવસોમાં ભોજન પહોંચાડ્યું હતું. ત્યાર પછી રાશનની એક કીટ બનાવીને 1000 જેટલા લોકો સુધી પહોંચાડી હતી. રાશન આપતી વખતે સામાજીક અંતર જાળવતા આ કિન્નરો પહેલા તો શેરી સુધી પહોંચીને જોર જોર થી બોલે છે – બધા જ લોકો પોતાના ઘરની અંદર રહી, અમે તમારા ઘરની બહાર જ રાશન મૂકી જઈએ છીએ. તેનાથી સંક્રમણનો ભય ન રહે. દેશને બચાવવા માટે કિન્નર સમુદાય પણ આગળ આવ્યો. 

Leave a Comment