મિત્રો બજારમાં મળતી ખારીશીંગ તો લગભગ બધાને ભાવતી હશે. ઘણા લોકો બજારમાં મળતી શીંગ ખાવાને બદલે ઘરે જ શીંગ દાણાને શેકીને શીંગ બનાવતા હોય છે. પરંતુ ગમે એટલા પ્રયત્નો આપણે ઘરે કરીએ છતાં તેનો ટેસ્ટ બજાર જેવો નથી આવતો. કારણ કે બજારમાં મળતી શીંગને એક ખાસ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. જેમાં તે લોકો રેતીનો પણ ઉપયોગ કરતા હોય છે.
તો મિત્રો આજે અમે રેતીનો ઉપયોગ કર્યા વગર પણ ઘરે જ કંઈ રીતે બજાર જેવી ખારીશીંગ બનાવી શકાય તે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો જો તમે આ રીતે ખારીશીંગ બનાવશો તો તેનો રંગ અને ટેસ્ટ બંને બિલકુલ બજાર જેવો જ હશે. તો ચાલો જાણીએ બજાર જેવી ખારીશીંગ બનાવવાની ખાસ રેસેપી.
બજાર જેવી ખારીશીંગ બનાવવા માટે ખુબ જ ઓછી સામગ્રી જોશે. બજાર જેવી ખારી શીંગ બનાવવા માટે 500 ગ્રામ કાચા શીંગદાણા અને જરૂરીયાત મુજબ મીઠું અને પાણી. બસ આ ત્રણ વસ્તુ જ જોઇશે.
બજાર જેવી ખારી શીંગ બનાવવાની રીત: સૌપ્રથમ એક મોટા વાસણમાં બે ચમચી મીઠું અને તેમાં આઠથી દસ ચમચી જેટલું પાણી નાખી દો. ત્યાર બાદ મીઠું પાણીમાં ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવો. હવે તે મીઠા વાળા પાણીમાં શીંગદાણા નાખી દો અને બધા શીંગદાણા પર પાણી ચડી જાય એ રીતે તેને મિક્સ કરો. જો તમને થોડું પાણી ઉમેરવાની જરૂરીયાત જણાઈ તો એક થી બે ચમચી પાણી તમે ઉમેરી શકો છો.
હવે દસ મિનીટ સુધી તેને ઢાંકીને રાખી મુકો. તેનાથી મીઠાનું પાણી શીંગ દાણામાં સારી રીતે એબસોર્બ થઇ જશે જેથી તેનો ટેસ્ટ એકદમ બજાર જેવો આવશે. દસ મિનીટ બાદ શીંગદાણા ફરી પાછા ચમચીની મદદથી હલાવવા અને ત્યાર બાદ ઢાંકીને દસ મિનીટ સુધી રાખી મુકવા. આ રીતે ટોટલ વીસ મિનીટ સુધી દાણાને ઢાંકીને રાખવાના છે.
હવે તમે જોશો તો શીંગ દાણા થોડા ફુલાઈ ગયા હશે અને મીઠું પણ શીંગદાણામાં અંદર ઉતરી ગયું હશે. હવે ગરણીની મદદથી શીંગદાણાને ગાળીને વધારાનું પાણી અલગ કરી દેવાનું છે. હવે એક જાડી કડાઈ લો અને તેમાં બે થી ત્રણ કપ મીઠું નાખી દો. હવે તેને પાંચ મિનીટ સુધી ફૂલ તાપે પકાવો.
પાંચ મિનીટ બાદ મીઠામાં શીંગદાણા નાખી દો અને તેને ચમચાની મદદથી સતત હલાવતા રહો. હવે બે થી ત્રણ મિનીટ બાદ ગેસની આંચ એકદમ ધીમી કરી દેવાની છે અને ધીમી આંચ પર શીંગદાણાને લગભગ ત્રણ થી ચાર મિનીટ સુધી સતત હલાવતા હલાવતા સેંકવાના છે.
હવે તમે જોશો તો શીંગ દાણાનો રંગ પણ બદલાઈ ગયો હશે અને અમુક દાણા પણ ફૂટવા લાગશે અને શીંગ દાણાની છાલ પણ સરળતાથી ઉતરી જાય તેવી શીંગ બની ગઈ હશે.
તો હવે તમારી ખારીશીંગ તૈયાર છે માટે ગેસ બંધ કરી દો. હવે એક પૂરી તળવાનો જારો લઈને તેની મદદથી શીંગદાણાને એક પ્લેટમાં કાઢી લો. શીંગ પર લાગેલું વધારાનું મીઠું નીકળી જાય તે રીતે શીંગ દાણાને કાઢવાના છે.
હવે તમે જોશો તો એકદમ બજાર જેવી જ ખારી શીંગ તૈયાર થઇ ગઈ હશે. તો આ રીતે જો તમે સરળતાથી ઘરે જ બજાર જેવી ગરમા ગરમ ખારીશીંગ બનાવી શકતા હોવ તો બજારમાંથી ખરીદવાની શું જરૂરીયાત છે.ઘરે જ બનાવો ખુબ જ સરળતાથી ખારીશીંગ…
👉 કોમેન્ટ કરીને જણાવો કે કેવી લાગી રેતી વગરની ખારીશીંગ બનાવાવની રેસીપી.
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
વેરી હેલ્પફુલ
Very nice recipe. I will try it. Please show how to make Khajli. We eat with Rus & shrikhand. Thank you.