દેશમાં કોરોના વાયરસના પ્રકોપ દિવસેને દિવસે વધતો જાય છે. દેશના અન્ય શહેરોની તુલનામાં મુંબઈમાં કોરોના વાયરસના કેસ વધુ પ્રમાણમાં વધી રહ્યાં છે. જેમાં બોલિવુડ જગત પણ બાકાત નથી. જી હાં, થોડા સમય પહેલા જ બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. અમિતાભ ઉપરાંત અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા બચ્ચનનો કોરોના પોઝિટિવ આવ્યા હતા.
ત્યાર બાદ તેમને મુંબઈ ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. બચ્ચન પરિવાર કોરોનાની સારવાર લઈ રહ્યું છે. ત્યાં બોલિવુડના અન્ય સ્ટાર્સ વધુ સજાગ બન્યાં છે. કોરોનાના વધતા કેસ જોઇને એક્ટર શાહરુખ ખાને પોતાના બંગલાની ચારેબાજુ પ્લાસ્ટિક લગાવીને બંગલો કવર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, શાહરુખ ખાન પોતાની પત્ની ગૌરી અને ત્રણેય બાળકો(આર્યન, સુહાના અને ઇબ્રાહિમ)ની સાથે રહે છે. શાહરુખ ખાને પોતાના બંગલાનો પાંચમાં માળે જ્યાં તેની ઓફિસ છે, તેને તેણે કોરોના પેશેન્ટ્સના ઇલાજ માટે બીએમસીને આપી છે. શાહરુખે સાવચેતીના ભાગ રૂપે પોતાના બંગલાને ચારે તરફથી કવર કર્યો છે. એમ પણ માનવામાં આવે છે કે, શાહરુખે કવર કોરોનાના ડરથી નહીં પણ વરસાદના કારણે પ્લાસ્ટિક બંગલાની ચારેબાજુ લગાવવામાં આવ્યું છે. શાહરુખ ખાને આખા બંગલા પર સફેદ રંગના પ્લાસ્ટિકથી કવર કર્યું છે.
જ્યારથી WHO એ સ્વીકાર્યું છે કે, કોરોના વાયરસ હવામાં પણ છે. ત્યારથી દરેક વ્યક્તિ પોતાના ઘરમાં રહેવું જરૂરી સમજવા લાગ્યા છે. કોરોના વાયરસનો કહેર દેશભરમાં ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. હાલ, સામાન્ય માણસની જેમ શાહરુખ ખાન પણ પોતાની ફેમિલી સાથે ઘરમાં ક્વોલિટી ટાઇમ સ્પેંડ કરી રહ્યો છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો છેલ્લા કેટલાંક સમયથી શાહરુખ ખાન ફિલ્મોથી દૂર છે. શાહરુખ છેલ્લે વર્ષ 2018માં ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો.
જો કે શાહરુખના ફેન્સ વધુ રાહ જોવી નહિ પડે એટલે કે, જેમ તેના ફેન્સ તેને ફિલ્મોમાં જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે તો હવે તેમના માટે પણ સારા સમાચાર છે. શાહરુખ રાજકુમાર હિરાણી સાથે મળીને ઇમિગ્રેશન પર બનેલી ફિલ્મમાં જોવા મળશે. નોંધનીય છે કે, હજુ આ ફિલ્મનું શુટિંગ શરૂ થયું નથી, સાથે ફિલ્મનું નામ કે કલાકારો વિશે પણ કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
શાહરુખ ખાન ભલે ફિલ્મોથી દૂર છે પરંતુ તે પોતાના ફેન્સ સાથે કોન્ટેક્ટમાં રહેવા માટે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર શાહરુખ અને ગૌરી ખાનનું ટ્યુનિંગ ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે. બંને એક બીજાના ફોટો પર રમૂજી રિપ્લાય કરતાં રહે છે.