જાણો સરકારની નવી સ્કીમ “સૉવરેન ગોલ્ડ બૉન્ડ” વિશે ? શું આમાં ઇન્વેસ્ટ કરાય કે ના કરાય?

મિત્રો આજે અમે તમને સોનાની એક સ્કીમ વિશે જણાવશું, જેના વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હશે. તેનું નામ છે સૉવરેન ગોલ્ડ બૉન્ડ. તેના વિશે જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. સૉવરેન ગોલ્ડ બૉન્ડની નાણાંકીય વર્ષ 2020-21ની ચોથી સિરીઝનું વહેંચાણ  6 જૂલાઈ, સોમવારના રોજથી શરૂ થઈ ગયું છે. જે 10 મી જુલાઈ સુધી ચાલુ રહેવાનું હતું. આ સિરીઝમાં પ્રતિગ્રામ સોનાની કિંમત 4852 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

જો તેની ખરીદી ઑનલાઇન કરવામાં આવે તો 50 રૂપિયા છૂટ પણ મળશે એટલે કે પ્રતિગ્રામ સોનું 4802 રૂપિયામાં પડશે. જ્યારે કે 10 ગ્રામનો 48020 ભાવ હશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ચાર વર્ષમાં સોનાના રોકાણમાંથી જેટલું વળતર નથી મળ્યું તેટલું માત્ર આ વર્ષના એપ્રિલથી જૂન ત્રિમાસિકમાં મળી ગયું છે.

સૉવરેન ગોલ્ડ બૉન્ડ શું છે ? : સૉવરેન ગોલ્ડ બૉન્ડ એક ગવર્મેન્ટ સિક્યૉરિટી સ્કીમ છે, જે સોનાના ગ્રામમાં નક્કી કરવામાં આવે છે. અસલ સોનાના બદલે બૉન્ડરૂપે એટલે કે સોનાના ભાવના નક્કી કરાયેલા દર પ્રમાણે તેની ખરીદી કરવામાં આવે છે.

સૉવરેન ગોલ્ડ બૉન્ડની ખરીદી કેવી રીતે કરી શકાય ? : સોનાના બદલે બૉન્ડરૂપે એટલે કે સોનાના ભાવના નક્કી કરાયેલા દર પ્રમાણે તેની ખરીદી કરવામાં આવે અને તેની મૅચ્યોરિટીએ નક્કી ભાવ મુજબ તેના બદલામાં ખરીદદારને રૂપિયા મળે છે. સૉવરેન ગોલ્ડ બૉન્ડમાં રોકાણ પર વાર્ષિક ધોરણે 2.5 % વ્યાજ પણ મળે છે. સરકારી સ્કીમ હોવાથી દર નાણાકીય વર્ષે સરકાર તબક્કા વાર આ વેંચાણ શરૂ કરે છે. જાહેર કરાયેલી તારીખે તેમાં રોકાણ કરી શકાય છે.

નોંધનીય છે કે, આ માટેનું ઍપ્લિકેશન ફોર્મ (રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા) RBI ની વેબસાઇટ પર જઈને ભરી શકાય છે. અથવા જે બૅન્કોને વેંચાણના અધિકાર આપવામાં આવ્યા હોય તેવી બૅન્કો, શિડ્યુલ બૅન્ક, પોસ્ટ ઓફિસ, નિમાયેલા પોસ્ટ ઓફિસ એજન્ટો પાસેથી પણ આ ફોર્મ ભરીને ખરીદી કરી શકાય છે. તેમાં રોકાણ કરવા માટે પાન નંબર આપવો જરૂરી હોય છે. ભારતના નાગરિક એવા લોકો સ્વયં અથવા સંયુક્ત નામે પણ તેમાં રોકાણ કરી શકે છે. આમ તો આ રોકાણનો લૉકઇન પિરિયડ આઠ વર્ષનો હોય છે, પરંતુ પાંચ વર્ષ બાદ જો તેનું વેંચાણ કરવું હોય તો તે નિયમોને આધિન શક્ય બને છે.

ટૅક્સમાં છૂટ કેટલી ? : સામાન્ય રીતે બૉન્ડનું વાર્ષિક વ્યાજ ખાતામાં જમા થતું હોય છે, જે સમયે બૉન્ડ પાકતો હોય ત્યારના સોનાના ભાવ પ્રમાણે વળતરની કિંમત મળે છે. ખરીદી સમયે આપવામાં આવેલા બૅન્ક એકાઉન્ટમાં જ તે જમા થતું હોય છે. બૉન્ડની મૅચ્યોરિટી સમયે થતાં કૅપિટલ ગેઇન ટૅક્સમાં છૂટ મળે છે, પણ રોકાણના સમય દરમિયાન તેના પર મળેલા વ્યાજ પર ટૅક્સ લાગે છે.સૉવરેન ગોલ્ડ બૉન્ડ વિશે નિષ્ણાંતો મુજબ : “મે મહિનામાં થયેલા બૉન્ડના રોકાણના તબક્કાને સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેનું મહત્વનું એક કારણ એ પણ છે કે, કોરોના વાઇરસને લીધે લાગુ થયેલા લૉકડાઉનને પગલે દુકાનો અને ઘણા કારોબાર બંધ હતાં, તેથી લોકોએ વધતાં સોનાના ભાવ વચ્ચે ઑનલાઇન ખરીદી પસંદ કરી.”

“એ સિવાય જો સોનાની આયાતના આંકડાઓ પર નજર કરવામાં આવે તો જૂન 2020 માં ભારતની ગોલ્ડ આયાતમાં જૂન 2019 ની સરખામણીએ 86% નો ઘટાડો થયો છે. તેની પાછળ પણ મુખ્ય કારણ લૉકડાઉન અને આંતરાષ્ટ્રીય ઠપ્પ વ્યવહાર જવાબદાર છે. ત્યારે સ્વાભાવિક છે કે, બૉન્ડમાં રોકાણ પ્રત્યે લોકોનું આકર્ષણ વધે. સાથે આ એક સરકારી સ્કીમ હોવાથી તેમાં વળતર અંગે ગ્રાહકો નિશ્ચિંત રહે છે.”

Leave a Comment