હનુમાનજીએ કરવું પડ્યું હતું પરાણે પંચમુખી સ્વરૂપ ધારણ….. જાણો તેનું સાચું તથ્ય અને તેની કથા.. જય શ્રી રામ
મિત્રો હનુમાનજીના ઘણા અલગ અલગ નામો છે. જેમાં દરેક નામની પાછળ કોઈને કોઈ કારણ જોડાયેલું છે. તેવી જ રીતે હનુમાનજીનું એક અન્ય રૂપ પણ છે જેને આપણે પંચમુખી હનુમાનજીના રૂપ તરીકે ઓળખીએ છીએ. ઘણા ઓછા લોકોને ખ્યાલ હોય છે કે હનુમાનજીનું નામ પંચમુખી હનુમાન કંઈ રીતે પડ્યું અને શા માટે તેમણે પંચમુખી રૂપ ધારણ કર્યું ? તો મિત્રો આજે આ લેખમાં તમને તેના રહસ્ય વિશે જણાવશું. જેની કથા ખુબ જ રોચક છે. માટે આ લેખને અંત સુધી વાંચો અને જાણો તેનું રહસ્ય.
જ્યારે લંકામાં રામ અને રાવણની સેના વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું તે દરમિયના મેઘનાથનું મૃત્યુ થયું. ત્યારે રાવણ થોડો ચિંતિત થયો અને રાવણની માટે કૈકસી પણ દુઃખી થઇ. કૈકસીએ રાવણને તેના બે મિત્ર પાતાળમાં રહેતા હતા તેની યાદ અપાવી. તેનું નામ હતું અહિરાવણ અને મહિરાવણ. રાવણના આ બંને મિત્ર જાદુ અને ટોણા ટોટકાના ખુબ જ જાણકાર હતા. તંત્ર મંત્રના મહાપંડિત હતા અને માતા કામાક્ષીના પરમ ભક્ત હતા.
રાવણે બંને ભાઈઓને લંકા બોલાવી કહ્યું, તેઓ પોતાના છળ અને જાદુથી રામ-લક્ષ્મણનો વધ કરી નાખે. આ વાત વિભીષણને ખબર પડી અને તેઓ ચિંતામાં પડ્યા અને તેને લાગ્યું કે હવે શ્રી રામ અને લક્ષ્મણની સુરક્ષા વધારવી પડશે અને તેના માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ તેમને હનુમાનજી લાગ્યા.
ભગવાન શ્રી રામ અને લક્ષમણની ઝુપડી લંકામાં સુએલ પર્વત પર બની હતી. વિભીષણે જ્યારે હનુમાનજીને અહિરાવણ અને મહિરાવણની વાત જણાવી ત્યારે હનુમાનજીએ ભગવાન શ્રી રામ લક્ષ્મણની ઝુપડીની ચારેય બાજુ એક સુરક્ષા ઘેરો બનાવ્યો હતો. જેના કારણે તે બંને માયાવી રાક્ષસ અંદર ન ઘુસી શકે. અહિરાવણ અને મહિરાવણ તે ભગવાનની ઝુપડી પાસે પહોંચ્યા. પરંતુ સુરક્ષાના ઘેરના કારણે તેઓ કંઈ જ ન કરી શક્યા.
ત્યાર બાદ અહીરાવણે એક ચાલને અંજામ આપ્યો. તેણે વિભીષણનું રૂપ ધારણ કર્યું અને ઝુપડીમાંમાં પ્રવેશ કર્યો. રામ અને લક્ષ્મણ એક શીલા પર સુતા હતા ત્યારે તેણે તે શીલા એટલે કે પથ્થર સહીત રામ લક્ષ્મણને ઉઠાવી લીધા અને પાતાળ તરફ ચાલ્યા. વિભીષણને લાગ્યું કે મહીરાવણે જરૂર કોઈ છળ કર્યું છે. તેથી તેમણે હનુમાનજીને તેનો પીછો કરવાનું કહ્યું. હવે હનુમાનજી પોતાના રૂપમાં જઈ ન શકે તેથી તેમણે પક્ષીનું રૂપ ધારણ કર્યું અને નીકુંભલા નગરી પહોંચ્યા. ત્યાં તેમણે એક કબુતર અને કાબુતરીને વાત કરતા સાંભળ્યા કે હવે રાવણ સામે રામની હાર નિશ્ચિત છે, કારણ કે અહિરાવણ અને મહિરાવણ રામ અને લક્ષમણની બલી ચડાવવા જઈ રહ્યા છે.
તેમની વાત સાંભળીને હનુમાનજીને જાણ થઇ કે બંને રાક્ષસ રામ લક્ષ્મણને નિંદ્રા અવસ્થામાં જ ઉપાડીને લઇ ગયા છે અને માતા કામાક્ષીને તેની બલી ચડાવવા જઈ રહ્યા છે. ત્યાર બાદ હનુમાનજી વાયુ વેગથી પાતાળમાં પહોંચ્યા. હનુમાનજીને ત્યાં પ્રવેશ દ્વાર પર જ એક પહેરેદાર ઉભો હતો. જેનું અડધું શરીર વાનરનું અને અડધું શરીર માછલીનું હતું. દ્વારપાળે હનુમાનજીને કહ્યું, કે મને પરાસ્ત કર્યા વગર અંદર જવું અસંભવ છે. તેથી હનુમાનજી અને દ્વારપાળ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. હનુમાનજીએ વિચાર્યું પણ ન હતું કે અહિરાવણ અને મહિરાવણનો દ્વારપાળ ખુબ જ બળવાન યોદ્ધા હશે.
પરંતુ છતાં એ દ્વારપાળ હનુમાનજી સામે હારી ગયો. પરંતુ હનુમાનજીએ એ યોદ્ધાનું નામ અને તેનો પરિચય પૂછ્યો. ત્યારે દ્વારપાળે કહ્યું કે, “હું મહાબલી હનુમાનજીનો પૂત્ર છું અને મને એક માછલીએ જન્મ આપ્યો છે. મારું નામ મકરધ્વજ છે. હનુમાનજી જ્યારે લંકાદહન બાદ સમુદ્રમાં પોતાની આગ બુજાવવા બેઠા હતા ત્યારે તેના પરસેવાનું તેજ નીચે પડ્યું અને તે એક માછલીના મોંમાં ગયું. જેના તેજથી તે માછલી ગર્ભવતી થઇ અને મારો જન્મ થયો.
ત્યારે હનુમાનજીએ જણાવ્યું કે હું જ હનુમાન છું. ત્યારે મકરધ્વજે હનુમાનજીના ચરણ સ્પર્શ કર્યા. હનુમાનજીએ મકરધ્વજને ત્યાં આવવાનું કારણ જણાવ્યું અને કહ્યું કે તે પોતાના પિતાના સ્વામીની રક્ષા કરવામાં મદદ કરે. મકરધ્વજે જણાવ્યું કે થોડા સમયમાં રાક્ષસ બલી માટે આવવાના છે માટે તમે કોઈ અન્ય રૂપ ધારણ કરીને કામાક્ષી દેવીના મંદિરમાં બેસી જાવ અને બધી પૂજા ઝરૂખાથી કરવાનું કહો.
ત્યાર બાદ હનુમાનજીએ પહેલા તો મધમાખીનો વેશ ધારણ કર્યો અને માતા કામાક્ષીના મંદિરમાં ઘુસ્યા અને માતાને નમસ્કાર કરી સફળતાની કામના કરી અને પૂછ્યું કે, “શું તમે વાસ્તવમાં રામ લક્ષ્મણની બલી ઈચ્છો છો ?” ત્યારે માતાએ ઉત્તર આપ્યો કે, “હું અહિરાવણ અને મહિરાવણની બલી ઈચ્છું છું, કારણ કે તે મારા ભક્ત છે પરંતુ અધર્મી અને અત્યાચારી છે માટે તેને મારવા માટેનો તમે પ્રયત્ન કરો અને તમે સફળ રહેશો.” માતાએ એ પણ જણાવ્યું કે અહીં અલગ અલગ દિશામાં પાંચ દીપક પ્રજ્વલ્લિત કરવામાં આવ્યા છે. જે બંને રાક્ષસે મને પ્રસન્ન કરવા માટે રાખ્યા છે જે દિવસે તે બધા દીપક એક સાથે ઓલવાઈ જશે તે દિવસે બંને રાક્ષસનો અંત નિશ્ચિત થશે.
ત્યાં ઢોલ વગેરેનો અવાજ સંભળાયો, ત્યારે અહિરાવણ અને મહિરાવણ બલી માટે આવી રહ્યા હતા. ત્યારે હનુમાનજીએ માતા કામાક્ષીનું રૂપ ધારણ કર્યું. જ્યારે અહિરાવણ અને મહીરામણ બંને મંદિરમાં પ્રવેશી રહ્યા હતા કે તરત જ માતાનું રૂપ ધરણ કરેલ હનુમાનજી મહિલા સ્વરમાં બોલ્યા કે, “હું દેવી કામાક્ષી છું અને મારી પૂજા ઝરૂખાથી કરો.”
ત્યાર બાદ બંને દ્વારા ઝરૂખાથી પૂજા કરવામાં આવી અને સામગ્રીઓ અર્પણ કરવામાં આવી અને અંતે બલી ચડાવવા માટે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને સામે લાવવામાં આવ્યા અને બંને બેહોશ હાલતમાં હતા. હનુમાનજીએ તરત જ રામ અને લક્ષ્મણને બંધન મુક્ત કર્યા. ત્યાર બાદ હનુમાનજીને માતા કામાક્ષીની ઈચ્છા પણ પૂરી કરવાની હતી, તેથી તેણે મકરધ્વજને કહ્યું કે તે અચેત અવસ્થામાં રહેલ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણનું ધ્યાન રાખે અને હનુમાનજીએ અહિરાવણ અને મહિરાવણ સાથે યુદ્ધ છેડી દીધું.
મિત્રો આ યુદ્ધ સરળ ન હતું. કારણ કે અહિરાવણ અને મહિરાવણ ખુબ મુશ્કેલથી મારતા તો ફરી પાંચ પાંચ રૂપ ધારણ કરીને જીવતા થતા હતા. આ સ્થિતિમાં મકરધ્વજે જણાવ્યું કે અહિરાવણની પત્ની એક નાગ કન્યા છે અને તે અહીરામણને પસંદ નથી કરતી. તે અહિરાવણનું રાજ જાણતી હશે, તેથી જો તેને અહિરાવણ અને મહિરાવણના મૃત્યુનો ઉપાય પૂછવામાં આવે તો તે આપણી મદદ કરી શકે છે.
મકરધ્વજે બંને રાક્ષસોને યુદ્ધમાં ઉલજાવી રાખ્યા, ત્યાં હનુમાનજી અહિરાવણની પત્ની નાગ કન્યા પાસે પહોંચ્યા. હનુમાનજીએ તેને કહ્યું કે તમે અહિરાવણ અને મહીરાવણના મૃત્યુનું રાજ જણાવો. તો તેને મારીને અમે તમને તેના ચંગુલમાંથી ભગવાનને બચાવી શકીએ. ત્યાર બાદ નાગ કન્યાએ કહ્યું કે, “તેનું નામ ચિત્રસેના છે અને તે ભગવાન વિષ્ણુની ભક્ત છે, પરંતુ અહિરાવણ તેના રૂપ પર મોહિત થઇ ગયો અને તેને અહીં બંધક બનાવીને રાખી છે.” ત્યારે હનુમાનજીએ અહિરાવણની પત્નીને કહ્યું કે તે અહિરાવણના મૃત્યુનું રહસ્ય જણાવવાના બદલામાં શું ઈચ્છે છે ? ત્યારે અહિરાવણની પત્નીએ જણાવ્યું કે, “અહિરાવણ જેવા અસુરે મારી સાથે લગ્ન કર્યા અને મને અહીં લાવ્યો. માટે હું મારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા માંગુ છું, માટે તમે જો મારા વિવાહ શ્રી રામ સાથે કરાવવાનું વચન આપો તો હું અહિરાવણના મૃત્યુનું રહસ્ય જણાવું.”
હનુમાનજીએ વિચાર્યું કે આવું વચન હું કંઈ રીતે આપી શકું ? પરંતુ તેણે વિચાર્યું કે જો સમય પર ઉત્તર ન આપ્યો તો ભગવાન રામના પ્રાણ જોખમમાં છે. તેથી હનુમાનજી એક શરત રાખે છે કે “અહિરાવણના મૃત્યુ બાદ તને મળવા માટે અમે આવીએ ત્યારે ભગવાન શ્રી રામ તારા પલંગ પર બેસે અને પલંગ તૂટે નહિ તો તારા લગ્ન ભગવાન રામ સાથે કરાવીશ, પરંતુ જો પલંગ તૂટી જશે તો વચન માન્ય નહિ ગણાય.” ત્યારે ચિત્રસેનાએ વિચાર કર્યો કે મહાકાય અહિરાવણના બેસવાથી પલંગ નથી તૂટતો તો ભગવાન શ્રી રામના બેસવાથી કંઈ રીતે તૂટશે ! એમ વિચારીને તેણે શરત સ્વીકારી અને અહિરાવણના મૃત્યુનું કારણ જણાવતા બધા જ રાક્ષસોના અંતનું કારણ જણાવ્યું.
નાનપણમાં એક ભમરીને અહિરાવણ અને મહિરાવણ પકડી લાવ્યા હતા. આ ભમરી કોઈ સાધારણ ન હતી, પરંતુ માયાવી હતી. એટલું જ નહિ તેનો પતિ પણ તેની પીડા સાંભળીને ત્યાં આવ્યો હતો. આ ભમરાઓ વધારે પડતા તેમના શયન કક્ષની પાસે રહે છે અને તે ખુબ જ વધારે માત્રામાં છે. જ્યારે બંને રાક્ષસ મરવા પડે છે ત્યારે ભમરો તેના કાનમાં એક ટીપું અમૃતનું નાખી દે છે અને બંને મારીને પણ જીવતા થઇ જાય છે. અને જેટલી વાર તેમણે જીવન આપવામાં આવ્યું તેટલા તેના નવા રૂપ બનવા લાગ્યા.
ત્યાર બાદ જ્યારે મકરધ્વજે રાક્ષસોને યુદ્ધમાં ઉલજાવ્યા હતા ત્યારે હનુમાનજીએ તે ભમરાઓને મારવાનું શરૂ કર્યું. જ્યારે બધા ભમરાઓ ખતમ થઇ ગયા ત્યારે છેલ્લે એક ભમરો બચ્યો અને તે હનુમાનજીના ચરણોમાં પડ્યો અને પ્રાણ બક્ષવાની પ્રાર્થના કરી. ત્યારે હનુમાનજીએ તેને ક્ષમા કરવાના બદલામાં એક કામ સોંપ્યું કે તું અહિરાવણના પલંગની પાટીમાં ઘૂસીને તેને સંપૂર્ણ રીતે ખોખલો બનાવી દઈશ ? ભમરો તરત જ ચિત્રસેનાના પલંગની પાટીમાં ઘુસવા માટે નીકળી ગયો.
તો આ બાજુ અહિરાવણ અને મહિરાવણને તેના ચમત્કારો લુપ્ત થવાથી ખુબ જ આશ્વર્ય થયું. તેમ છતાં પણ તેણે માયાવી યુદ્ધ ચાલુ જ રાખ્યું. ત્યારે હનુમાનજીને કામાક્ષી માતાનું વચન યાદ આવ્યું કે જ્યારે પાંચેય દીપક એક સાથે ઓલવાશે ત્યારે તે તેનું નવું રૂપ ધારણ કરી તેનો વધ કરી શકશે.
તો આ પાંચેય દીપક ઓલવવા માટે હનુમાનજીએ પંચમુખી રૂપ ધારણ કર્યું જેમાં ઉત્તર દિશામાં વરાહ મુખ, દક્ષીણ દિશામાં નરસિંહ રૂપ, પશ્ચિમ દિશામાં ગરુડ મુખ, આકાશ તરફ હયગ્રીવ મુખ અને પૂર્વ દિશામાં હનુમાન મુખ લીધું અને પંચમુખી રૂપ ધારણ કર્યું. પોતાના પાંચેય મુખની મદદથી એક સાથે હનુમાનજીએ પાંચેય દિપક ઓલવી નાખ્યા. ત્યાર બાદ હનુમાનજી અને મકરધ્વજના હાથે અહિરાવણ અને મહિરાવણ મૃત્યુ પામ્યા.
ત્યાર બાદ હનુમાનજીએ શ્રી રામ અને લક્ષ્મણની મૂર્છા દુર કરી અને તેઓ ત્યાંથી જવા લાગ્યા. ત્યારે ચિત્રસેનાએ તેમણે દરવાજા પર રોક્યા અને યાદ અપાવ્યું કે શ્રી રામ સાથે તેના લગ્ન કરાવવાના છે. ત્યારે હનુમાનજીએ ભાવાવેશમાં આવીને ભગવાન શ્રી રામનો હાથ પકડીને તેમણે ચિત્રસેનાના પલંગ પર બેસાડી દીધા. તેઓ કંઈ સમજે તે પહેલા જ પલંગની પાટી તૂટી ગઈ અને પલંગ ધરાશાય થઇ ગયો.
ત્યારે ચિત્રસેના સમજી ગઈ કે તેની સાથે છળ થયું છે. ચિત્રસેના હનુમાનજીને શ્રાપ દેવા જ જઈ રહી હતી કે શ્રી રામ પુરા નાટકને સમજી ગયા અને તેમણે ચિત્રસેનાને સમજાવી કે મેં પત્ની ધર્મથી બંધાવવાનો સંકલ્પ લીધો છે. તેથી હનુમાને આવું કરવું પડ્યું, માટે તેને ક્ષમા કરી દો. તેમ છતાં પણ ચિત્રસેના શ્રી રામ સાથે લગ્ન કરવાની જીદ પકડીને બેઠી હતી. ત્યારે ભગવાન શ્રી રામે જણાવ્યું કે તે દ્વાપર યુગમા શ્રી કૃષ્ણ અવતાર લેશે ત્યારે તેને સત્યભામાના રૂપે મારી પટરાણી બનાવીશ. ત્યારે ચિત્રસેના માની ગઈ અને હનુમાનજીએ ચિત્ર સેનાને તેના પિતા પાસે પહોંચાડી અને શ્રી રામ, લક્ષ્મણ, હનુમાનજી અને મકરધ્વજ લંકા પરત ફર્યા.
તો મિત્રો હનુમાનજીએ આ કારણોસર પંચમુખી રૂપ ધારણ કરવું પડ્યું હતું. તો મિત્રો જેમને હનુમાનજીની શક્તિઓ પર અને મહાબલી પર શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં જય બજરંગ બલી કે જય શ્રીરામ અવશ્ય લખજો….
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google