ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કહેવાયેલા કળિયુગ ના લક્ષણો

“ભગવાન શ્રીકૃષ્ણ” આ એક એવું નામ જે ભારત વર્ષમાં જ નહિ પણ પૂરી દુનિયામાં પોતાના અપાયેલા જ્ઞાન વડે લોકપ્રિય છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલી ગીતા ફક્ત ભારતમાં જ નહી પણ વિદેશોની પ્રખ્યાત યુનિવર્સીટીઓમાં પણ ભણાવાય છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કહેવાયેલ ગીતામાં સામાન્ય નાગરિકથી લઈને મહાન ચક્રવર્તી રાજાઓએ કેમ રહેવું, કેમ ધર્મનું પાલન કરવું, જીવનમાં ક્યાં કાર્ય કરવા, કઈ કઈ વસ્તુઓ થી દુર રહેવું વગેરે જેવી બાબતોનું એટલું સચોટ આલેખન કર્યું છે કે, જો આજનો માનવી ગીતા અનુસાર જીવન વ્યતીત કરવાનું શરુ કરી દે તો દુનિયામાંથી પાપ, અધર્મ, જેવી બાબતો ખતમ થઇ જાય.

મહાભારતનું યુદ્ધ પણ પાંડવો ભગવાન શ્રીકૃષ્ણના માર્ગદર્શન અનુસાર જ જીતેલા, જો ભગવાન કૃષ્ણની હાજરી ના હોત તો આજે પાંડવોનું જીતવું અસંભવ હતું.

ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોને ઘણી વખત અવનવા ઉદાહરણો આપીને ધર્મનું જ્ઞાન આપતા તો ક્યારેક યુદ્ધની વ્યૂહ રચના પણ સમજાવતા અને ક્યારેક રાજનીતિના પાઠ પણ શીખવતા.

નીચના આવા જ એક ઉદાહરણ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણે કળીયુગની ઓળખાણ આપતા પાંડવોને સમજાવ્યું કે કલિયુગમાં શું-શું થશે, કેવું જનજીવન હશે અને કેવા કળીયુગના લક્ષણો હશે.

એક વખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે ગયા.   

ચારેય પાંડવોએ કળયુગમાં માણસનું જીવન કેવું હશે અને તેની રહેણી કહેણી, ધર્મ-અધર્મ કેવા હશે તે જાણવાની ઈચ્છા ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ પ્રકટ કરી. ભગવાન શ્રીકૃષ્ણને લાગ્યું કે પાંડવોને શબ્દોની જગ્યાએ જો કળીયુગના પ્રત્યક્ષ દર્શન કરવું તો  જાતે જ સમજી જશે. આમ વિચારી ભગવાન શ્રીકૃષ્ણએ ધનુષ લઇ ચારે દિશાઓમાં એક-એક તીર છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ તીર શોધી લાવવા માટે આજ્ઞા કરી.

પાંડવોને નવાઈ લાગી કે, ભગવાન આ શું કરી રહ્યા છે પણ ભગવાનની આજ્ઞાનું પાલન તો કરવું પડે તેથી તે ભાઈઓ તીર શોધવા અલગ અલગ દિશામાં ગયા.

અર્જુન જે દિશામાં બાણ શોધવા ગયા ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ કે, એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા તેણે કોયલ તરફ જોયુ તો અર્જુનની આંખો આશ્વર્યથી પહોળી થઇ ગઇ.  મધુર કંઠે ગીતો ગાતી કોયલ સસલાનું માંસ પણ ખાતી જતી હતી અને આવું જોતા જ અર્જુન ત્યાંથી ભાગી નીકળી ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવ્યા.

ભીમ જે દિશામાં બાણ લેવા ગયા તે તીર શોધતા શોધતા  એક જગ્યાએ પાંચ કુવાઓ હતા ત્યાં આવી પહોચ્યા.  ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા.  આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો.  ભીમને એ ન સમજાયુ કે ચાર કુવાઓ ઉભરાયછે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે .  

નકુલ જે દિશામાં બાણ લેવા ગયા હતા ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઇ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય વાછરડાને પ્રેમથી ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઇ ગઇ આમ છતા પણ ગાયે વાછરડાને ચાટવાનું શરુ જ રાખ્યુ. હવે તો નાનાબચ્ચાની કોમળ ચામડી પરથી લોહી નીકળવા લાગ્યુ તો પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ. આ જોઈ નકુલ પણ હેતબાઈ ગયા અને તે દોડીને ભગવાન શ્રીકૃષ્ણ પાસે પહોચ્યા.

સહદેવ જે દિશામાં બાણ લેવા ગયા ત્યાં એમણે પણ એક આશ્વર્યજનક ઘટના જોઇ. કોઇ મોટા પર્વત પર થી શીલા નીચે પડી રહી હતી.  નીચે ગબડતી આ શીલા રસ્તામાં આવતા નાનામોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશયી કરતી તળેટી તરફ આગળ વધી રહી હતી પણ એક નાનો છોડ વચ્ચે આવ્યો અને શીલા ત્યાં જ અટકી ગઇ. સહદેવ કંઈ સમજી ના શક્યા અને અચંબિત થઇ શ્રી કૃષ્ણ પાસે આવ્યા.

ચારે પાંડવોએ પરત આવીને તેમણે જોયેલી ઘટનાનું વર્ણન ભગવાન શ્રીકૃષ્ણને કર્યું અને આમ કેમ થયું હશે તેનું કારણ પણ પૂછ્યું. ભગવાન શ્રીકૃષ્ણે ચારેય પાંડવોને શાંત પડતા કહ્યું કે, આ ચારેય ઘટના કળયુગમાં કેવી સ્થિતી હશે તે બતાવે છે.

પાંડવો હજુ કંઈ સમજ્યા નહિ એટલે ભગવાન શ્રી કૃષ્ણએ વિસ્તૃત સમજાવતા કહ્યું કે,

  • કળીયુગમાં પાખંડી સાધુઓ કોયલની જેમ મીઠા અવાજે વાતો કરશે અને સસલા જેવા ભોળા અનુયાયીઓ નું દર્દ દુર કરવાના બહાને એમનું જ શોષણ કરશે.
  • ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા છતાં બાજુમાં જ રહેલા કોરા કુવાને એક ટીપુ પાણી આપતા ન હતા એમ કળીયુગમાં અમીરોને ત્યાં સંપતિની રેલમછેલ હશે પણ એ એક પૈસો પણ આજુબાજુની જરૂરીયાત મંદ વ્યક્તિઓને નહી આપે.
  • ગાયે એના બચ્ચાને ચાટી ચાટીને ચામડી પણ ઉતરડી નાંખી તેમ કળયુગમાં મા-બાપ પોતાના સંતાનોને જરુરથી વધારે લાડલડાવીને અંદરથી સાવ ખોખલા કરી નાંખશે અને પોતાના જ સંતાનોને હાની પહોંચાડશે.
  • પર્વત પરથી પડતી શીલાની જેમ કળીયુગમાં માણસનું ચારિત્ર્ય પણ સતત નીચે પડતું રહેશે.  નીચે પડતા આ ચારીત્ર્યને બીજુ કોઇ નહી અટકાવી શકે પણ જો માત્ર પ્રભુના આશરા રૂપી કે સત્સંગરૂપી નાનો છોડ હશે તો એનાથી ચારિત્ર્ય નીચે પડતું અટકી જશે.

આમ ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોની ઈચ્છાના નું સમાધાન કરતા કહ્યું કે કળીયુગમાં આવું માનવીઓનું જીવન હશે, અને આ પ્રકારની સમસ્યાઓનો સામનો મનુષ્યોએ કરવો પડશે.

ખરેખર આ પ્રકારના જ પ્રશ્નો અત્યારે આપની સામે આવીને ઉભા છે. જેનો સામનો અત્યારનો માનવી કરે જ છે.

મિત્રો, આ આર્ટીકલ તમને જો ગમ્યો હોય તો, આર્ટીકલને શેર કરો. આવા જ બીજા આર્ટીકલ્સ વાંચવા માટે આપનું પોતાનું પેજ “ગુજરાતી ડાયરો” ને નીચે આપેલી લીંક દ્વારા લાઇક કરો જેથી તમને આર્ટીકલ્સની જાણકારી મળતી રહે.   

લેખ વાચવા માટે ધન્યવાદ. facebook.com/gujaratdayro

  “ જય શ્રી કૃષ્ણ”

4 thoughts on “ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કહેવાયેલા કળિયુગ ના લક્ષણો”

Leave a Comment