પતિ-પત્નીના લગ્નજીવનમાં આશાંતિ છે તો ભગવાન બુદ્ધનો આ પ્રસંગ ખાસ જાણો, ક્યારેય નહીં આવે પસ્તાવાનો વારો.

મિત્રો, ઘણી વખત આપણે ઉતાવળે નિર્ણય લેતા હોઈએ છીએ. અથવા તો ઘણી વખત આપણે ગુસ્સામાં પણ કોઈ નિર્ણય લઈ લેતા હોઈએ છીએ. આમ ઉતાવળે નિર્ણય લેવાથી ઘણી વખત પછતાવાનો વારો પણ આવે છે. પરંતુ જ્યારે એ વાતની સમજ આવે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. તેથી જ્યારે પણ તમારું મન અશાંત હોય, ત્યારે કોઈ પણ નિર્ણય ન લેવો જોઈએ. જો તમે અશાંત મને કોઈ નિર્ણય લેશો, તો એ ભૂલને કારણે પછી જીવન બગડી શકે છે.

જ્યારે પણ આપણું મન અશાંત હોય ત્યારે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય ન કરવો જોઈએ. આવી સ્થિતિમાં ભૂલ થઈ શકે છે અને આ એક ભૂલને કારણે આપણે ભવિષ્યમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી મન શાંત થાય તેની રાહ જોવી જોઈએ. અને મન શાંત થઈ ગયા પછી જ કોઈ પણ નિર્ણય લો. આ અંગે એટલે કે અશાંત મનને લઈને ભગવાન બુદ્ધનો એક પ્રસંગ ખુબ પ્રચલિત છે.

આ પ્રસંગ અનુસાર એક વ્યક્તિને તેની પત્ની સાથે કોઈ પણ તાલમેલ બેસતો ન હતો. તેમની વચ્ચે દરરોજ ઝગડાઓ થતા હતા. તેથી તે વ્યક્તિનું મન ખુબ જ અશાંત રહેતું હતું. આમ કંટાળીને તે જંગલમાં ચાલ્યો ગયો. તે સમયે ભગવાન બુદ્ધ પોતાના શિષ્યો સાથે તે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા.

તે વ્યક્તિએ પોતાની બધી જ વાત ભગવાન બુદ્ધને કહી. અને કહ્યું કે, તે પોતે સન્યાસ લેવા માંગે છે. તેથી મને પોતાનો શિષ્ય બનાવી લો. બુદ્ધે આ વાતને માની લીધી. બીજા દિવસે ભગવાન બુદ્ધે તે વ્યક્તિને કહ્યું કે, મને તરસ લાગી છે તેથી નદીમાંથી પાણી લઈ આવ.આમ તે માણસ બુદ્ધ માટે પાણી લેવા નદીએ ગયો, ત્યાં જઈને જોયું તો પાણી ખુબ ગંદુ હતું. પ્રાણીઓની ઊછળ કુદને કારણે નીચેની માટી ઉપર આવી ગઈ હતી. તેથી પાણી ગંદુ થઈ ગયું હતું. આમ આવું ગંદુ પાણી જોઈને નવો શિષ્ય પાછો આવી ગયો અને પોતે બુદ્ધને બધી વાત કહી દીધી.

થોડા સમય પછી બુદ્ધે તેને ફરીથી પાણી લેવા માટે મોકલ્યો. આ વખતે તેણે જોયું કે નદી કિનારે પાણી એકદમ સાફ થઈ ગયું છે. નદીની ગંદકી નીચે બેસી ગઈ છે. આ જોઈને તેને આશ્ચર્ય થયું અને તે પાણી લઈને બુદ્ધ પાસે પહોંચી ગયો. તેણે પૂછ્યું કે, તમને કેમ જાણ થઈ કે હવે પાણી ચોખું થઈ ગયું હશે ?

તે સમયે ભગવાન બુદ્ધે તેને સમજાવ્યો કે નદીમાં પ્રાણીઓ ઊછળ કુદ કરી રહ્યા હતા. તેથી પાણી ગંદુ થઈ ગયું હતું. પણ થોડા સમય પછી જ્યારે ત્યાંથી બધા જાનવર ચાલ્યા ગયા ત્યારે પાણી શાંત થઈ ગયું. આમ ધીમે ધીમે બધી જ ગંદકી શાંત થઈ ગઈ. બસ આવી જ રીતે આપણા જીવનમાં જ્યારે ઘણી મુશ્કેલીઓ આવે, ત્યારે આપણા મનની શાંતિ ભંગ થઈ જાય છે. આવી સ્થિતિમાં અનેક ભૂલ થઈ શકે છે. તેથી આપણે મનની ઊછળ કુદ શાંત થઈ જાય તેની રાહ જોવી જોઈએ.

આમ બુદ્ધની વાતો સાંભળીને તે વ્યક્તિને પોતાનું જીવન યાદ આવ્યું. તેને સમજાઈ ગયું કે, તેણે ઘર છોડવાનો નિર્ણય અશાંત મને કર્યો હતો. તેણે બુદ્ધ પાસે ઘર પાછા જવાની આજ્ઞા લીધી અને તે પોતાની પત્ની પાસે ચાલ્યો ગયો. પછીથી તેના જીવનની પરેશાની દુર થઈ ગઈ. હવે તે શાંત થઈને બધી સમસ્યાને ઉકેલવા લાગ્યો.

Leave a Comment