પતિ અને મોટા દીકરાના અવસાન છતાં માતાએ હિંમત ન હારી અને નાના દીકરાને બનાવ્યો પ્રોફેસર.

મિત્રો હાલમાં જ મધર્સ-ડે ગયો છે, જેની ઉજવણી સોશિયલ મીડિયા પર ખુબ જ જોવા મળી હતી. દરેક જગ્યાએ તેની ઉજવણી થાય, કેમ કે માં એક એવું વ્યક્તિત્વ છે જેની તોલે કોઈ ન આવી શકે. દીકરો કે દીકરી બહાર હોય અને ઘરે ન આવે ત્યાં સુધી જેના ચિત્તમાં શાંતિ ન હોય એ માં. આ દુનિયામાં ભગવાન અવશ્ય છે, પરંતુ માં એનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. એક માં અને તેના સંતાન વિશે આપણા દેશમાં એવા અસંખ્ય કિસ્સાઓ છે.

તો આપણા દેશ માં નામના દરજ્જાને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. લગભગ દુનિયાની દરેક માતા તેના બાળકોને લઈને જે કષ્ટ સહન કરે છે પુરુષો માટે અકલ્પનિય છે. કેમ કે માતા બાળકની ચાહમાં પોતાના કષ્ટને સુખમાં તબદીલ કરી નાખે છે. તો આજે અમે તમને એક એવી માતા વિશે જણાવશું. પતિ આ દુનિયામાં હયાત ન હતા, સંતાનોનું ભરણપોષણ કરવા માટે મજુરી કામ કરીને પણ જીવનનો નિર્વાહ ચાલે તેવી સ્થિતિ ન હતી. પરંતુ ખુબ જ કષ્ટો સહન કરવા છતાં પણ માતા એ તેના દીકરાને અભ્યાસ કરાવ્યો અને અંતે પ્રોફેસર બનાવ્યો.

શહેરનો અતિ પછાત એવો વિસ્તાર, જેનું નામ કૃષ્ણનગર વણકરવાસ છે. ત્યાં એક મોંઘીબેન મારુ નામની મહિલા રહે છે. મોંઘીબેનનું નામ છે તેવા જ તેના મોંઘા ગુણો પણ છે. મોંઘીબેનના લગ્ન થયા તેના થોડા જ વર્ષો પછી, તેના પતિ જેન્તીભાઈનું અકાળે નિધન થઇ ગયું. પતિના અવસાન બાદ મોંઘીબેનને ખ્યાલ આવતો ન હતો કે, આઠ વર્ષના બે બાળકોને અભ્યાસ કરાવું કે ઘરનો નિર્વાહ ચલાવું. પરંતુ આવી વિકટ સ્થિતિમાં પણ તેઓ પ્લાસ્ટિકના કાપડ વણાટ કામ કરતું એક કારખાનું હતું તેમાં કામ કરવા લાગી ગયા. સાંજ પડે મોંઘીબેનને 50 થી 60 રૂપિયા માંડ મળતા હતા.  રોજની આટલી આવકમાંથી ઘર ચલાવવું અને બાળકોને પણ અભ્યાસ કરાવવો તે ખુબ જ અઘરું બની જતું. પરંતુ તેમ છતાં મોંઘીબેને તેના બાળકોને અભ્યાસમાં કોઈ પણ રોકટોક કરી ન હતી. તેઓ ખુદ ભૂખ્યા પેટ સુઈ જતા અને તેના બાળકોના અભ્યાસ માટે પૈસા ખર્ચ કરતા. પરંતુ કુદરતને મંજુર નહી હોય અને મોંઘીબેનને વધુ એક આઘાત આપ્યો, તેના મોટા દીકરાનું અવસાન થઇ ગયું.

યુવાનીમાં પતિનું અવસાન, ત્યાર બાદ મોટા દીકરાનું અવસાન, પરંતુ તેમ છતાં પણ મોંઘીબેનની હિંમત અને મક્કમતા અકબંધ હતી. મોન્ઘીબેને તેના નાના પુત્રને અભ્યાસ કરાવ્યો, નાના પુત્રનું નામ છે જયેશ મારુ. જયેશ મારૂએ રસાયણ શાસ્ત્રમ PHD સુધી અભ્યાસ કર્યો અને માતાની આખી જિંદગીની મહેનત પાણીમાં ન જાય માટે તેણે NET અને SET ની પરીક્ષા આપી હતી. જેમાં પણ તેઓ પાસ થઇ ગયા હતા.

જયેશ મારૂએ પરીક્ષા પાસ કર્યા બાદ માતાની મહેનત રંગ લાવી હતી. માતાનું સપનું સાકાર થયું અને હાલ ડો. જયેશ મારૂ ગુજરાત યુનિવર્સિટીના કેમિસ્ટ્રી ડીપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર છે. પુત્રના જીવનને સફળ બનાવવા માટે એક માતાએ તેની આખી જિંદગી મહેનત પાછળ ખર્ચી નાખી. પરંતુ તેના કરતા વધારે ખુશીની વાત કરીએ તો એક માતાના અંતરનો અવાજ ઈશ્વરે પણ સાંભળી લીધો હતો. તો મિત્રો આ હોય છે માં. જેનું મુલ્ય શબ્દો કે દુનિયાની કોઈ પણ વસ્તુઓથી પણ તમે ન ચૂકવી શકો.

Leave a Comment