આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…
મિત્રો તમે બધાએ પરોઠા કે થેપલા તો ખાધા જ હશે અને લગભગ બધા જ લોકોને ભાવતા જ હોય છે. પરંતુ આવા ટામેટાના પરોઠા તમે ક્યારેય નહિ ખાધા હોય. મિત્રો એટલું જ નહિ પરંતુ આ પરોઠા એટલા સ્વાદિષ્ટ બનશે કે એક વાર બનાવશો તો આલું પરોઠા બનાવવાનું ભૂલી જશો. ઘરમાં નાના મોટા દરેકને ભાવશે આ પરોઠા. તો ચાલો જાણીએ સ્વાદિષ્ટ ટામેટાના પરોઠા બનાવવાની રીત.
ટામેટાના સ્વાદિષ્ટ પરોઠા બનાવવા માટે જોઈતી સામગ્રીઓ:-
અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, એક ચમચી લસણની પેસ્ટ, અડધી ચમચી આદુની પેસ્ટ, એક લીલું મરચું જીણું સમારેલું, બે નંગ ડુંગળી જીણી સમારેલી, બે નંગ મોટા ટામેટા જીણા સમારેલા, અડધી ચમચી હળદર, એક નાની ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, ત્રણ ચમચી ચણાનો લોટ, એક ચમચી ધાણાજીરું પાવડર, એક કપ જીણી સમારેલી કોથમીર, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું. આ ઉપરાંત 500 ગ્રામ ઘઉંનો લોટ અને પાણી તેમજ તેલ જરૂરીયાત મુજબ.
ટામેટાના સ્વાદિષ્ટ પરોઠા બનાવવાની રીત :-
સૌથી પેહલા એક કડાઈમાં બે થી ત્રણ ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થયા બાદ તેમાં જીરું અને હિંગ નાખી દો અને આદુ લસણની પેસ્ટ તેમજ જીણા સમારેલા મરચા પણ નાખી દો. એક મિનીટ સુધી તેને પાકવા દો ત્યાર બાદ તેમાં જીણા સમારેલા ડુંગળી અને ટામેટા ઉમેરી દો. ત્યાર બાદ તેને બે થી ત્રણ મિનીટ સુધી હલાવો અને પાકવા દો.
ત્યાર બાદ તેમાં બધા મસાલા ધાણા જીરું, હળદર, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો અને મીઠું ઉમેરી દો. હવે તેને બરાબર હલાવીને મિક્સ કરી લો. હવે તે મિશ્રણમાં ત્રણ ચમચી ચણાનો લોટ ઉમેરી દો અને ચમચાની મદદથી તેને હલાવીને મસાલામાં મિક્સ કરી દો. પાંચ મિનીટ સુધી આ રીતે પકાવો.
પાંચ મિનીટ બાદ તેમાં જીણી સમારેલી કોથમીર ઉમેરી દો અને મિક્સ કરી દો. હવે પરોઠાનું સ્ટફિંગ તૈયાર થઇ ગયું છે માટે ગેસ બંધ કરી દેવાનો છે. ગેસ બંધ કર્યા બાદ સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી પરોઠાનો લોટ બાંધી લેવાનો છે. લોટ બાંધવા માટે ઘઉંનો લોટ લઇ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યા બાદ ધીમે ધીમે પાણી ઉમેરતા -ઉમેરતા પરોઠાનો લોટ બાંધવાનો છે. લોટ થોડો ઢીલો રાખવાનો છે.
લોટ બંધાઈ ગયા બાદ હવે પરોઠા બનાવવા માટે લોટમાંથી એક લુઈ લઇ લો અને તેને પૂરી જેટલી વણી લો ત્યાર બાદ એક થી બે ચમચી સ્ટફિંગ બનાવ્યું છે તે ભરી દો. હવે ત્યાર બાદ સ્ટફિંગને પરોઠાની કિનારીઓથી કવર કરી લો.
ત્યાર બાદ પરોઠાને હળવા હાથે વણી લો. હવે પરોઠાને તળવાનું છે. તેના માટે પેન ગરમ કરવા માટે મુકો. પેન ગરમ થયા બાદ તેમાં પરોઠું રાખી દો અને એક બાજુ પરોઠાને થોડું ચડવા દો. ત્યાર બાદ પલટાવી નાખો. પલટાવ્યા બાદ તે બાજુને પણ થોડી ચડવા દો. ત્યાર બાદ એક બાજુ પરોઠા પર તેલ લગાવી પલટાવી દો.
હવે બીજી બાજુ પણ તેલ લગાવી દો અને પરોઠાને પલટાવી નાખો અને બંને બાજુ પરોઠાને ચડવા દો. ત્યાર બાદ પરોઠું તૈયાર છે માટે પ્લેટમાં કાઢી લો અને આ રીતે બધા પરોઠા વણી લો.
તો મિત્રો આ રીતે તમે સરળતાથી એક નવી જ રીતે સ્વાદિષ્ટ પરોઠા બનાવી શકો છો. તો મિત્રો જો તમને અમારી આ રેસેપી પસંદ આવી હોય તો એક વાર ઘરે અવશ્ય બનાવજો તેમજ કોમેન્ટ કરીને જણાવજો કે તમને ટામેટાના પરોઠાની રેસેપી કેવી લાગી.